રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે સતત બીજા દિવસે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાંજના સમયે લીંબડી અને સાયલા વચ્ચે 10થી 15 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેમાં વેકેશન દરમિયાન પરિવાર સાથે ફરીને પરત ફરી રહેલા હજારો લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.

હાઈવેના રિસરફેસિંગ કામ અને અવ્યવસ્થિત ડાયવર્ઝનથી કલાકો સુધી લોકો અટવાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, હાઈવે પર મોટા ખાડા પૂરવા અને રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે. પરંતુ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યોગ્ય અને વ્યવસ્થિત ડાયવર્ઝન મૂકવામાં ન આવતા દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. આ ઉપરાંત, આટલા ભારે ટ્રાફિક વચ્ચે પણ હાઈવે પર ટ્રાફિક પોલીસ કે જિલ્લા પોલીસ ક્યાંય પણ જોવા ન મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે જ્યાં સુધી નેશનલ હાઈવેનું કામ ચાલુ છે ત્યાં સુધી ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત મૂકવો અત્યંત જરૂરી છે.

કોંગ્રેસ ઉપપ્રમુખએ વીડિયો વાયરલ કરી સરકાર પર કર્યા આકરા પ્રહાર

આ ટ્રાફિકજામમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ ફસાયા હતા. તેમણે લીંબડી-ચોટીલા વચ્ચે સર્જાયેલા ટ્રાફિકજામના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને સરકાર અને શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા."આજે હું પણ ટ્રાફિકજામમાં ફસાઈ છું. છેલ્લા 7 દિવસથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ હજારો વાહનચાલકો ટ્રાફિકમાં અટવાય છે અને તમે વિકાસના બણગા ફૂંકો છો."ગાયત્રીબા વાઘેલા (પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ)હાલ હાઈવે પર સર્જાયેલી આ અવ્યવસ્થા અને વાયરલ વીડિયોને પગલે વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: હિંમતનગરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં કડવા પાટીદાર સમાજની જાહેરાત; ત્રીજા બાળક તરીકે દીકરી જન્મે તો ₹51 હજારનું ઈનામ