સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનારા રાજકોટના બહુચર્ચિત અમિત ખૂટ કેસમાં ગોંડલ પંથકના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટી કાનૂની રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને મંજૂર કરવામાં આવેલા જામીનને રદ કરાવવા માટે ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવી માન્ય રાખ્યો છે અને હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીન બહાલ રાખ્યા છે.
સુપ્રીમ કોર્ટે ફરિયાદ પક્ષની અરજી ફગાવી
રાજકોટના અમિત ખૂટ પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી, જેને હાઈકોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર રાખી હતી.હાઈકોર્ટના આ ચુકાદાથી અસંતુષ્ટ થઈને મૂળ ફરિયાદ પક્ષ દ્વારા જામીન રદ (Bail Cancellation) કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી.સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોની દલીલો અને હાઈકોર્ટના અવલોકનોને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે ફરિયાદ પક્ષની અરજીમાં કોઈ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને હાઈકોર્ટનો જામીનનો આદેશ યથાવત રાખ્યો હતો.
