રાજકોટ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન હસ્તકની આજી ડેમ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા એક ASI અને GRD કર્મચારીને જામીન અપાવવા અને લોકઅપમાં નહીં રાખવાના બદલામાં રૂ.10 હજારની લાંચ સ્વીકારતા ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા છે.આ સફળ ટ્રેપથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદી પાસે 10 હજારની લાંચ માંગી

ફરીયાદી વિરુદ્ધ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ ગુનાની તપાસ આ કેસના આરોપી પોલીસ કર્મચારી રાજેશ મેર કરી રહ્યા હતા.ફરિયાદીને પોલીસ સ્ટેશનના લોકઅપમાં ન પૂરવા માટે અને વહેલી તકે જામીન મેળવવાની કાનૂની પ્રક્રિયા સરળ કરી આપવાના બદલામાં આરોપી પોલીસકર્મી દ્વારા 10 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.આ લાંચની રકમ આરોપી મનોજ ચૌહાણને આપી દેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચ આપવાના કોઈ પણ પ્રકારના પક્ષમાં ન હોવાથી તેઓએ તાત્કાલિક ACBનો સંપર્ક સાધીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ACBની ટીમે આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું

આ ફરિયાદને આધારે ACBની ટીમે આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન રાજકોટ શહેરના ટ્રાફિક ભવન પૂર્વ વિભાગના કેમ્પસમાં આવેલી આજી ડેમ પોલીસ ચોકીના ગેટની બરાબર સામે જ લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી.આજી ડેમ પોલીસ ચોકીના આરોપી રાજેશ મેરના ઇશારે આરોપી મનોજ ચૌહાણે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી 10 હજારની લાંચની રોકડ રકમ સ્થળ પર જ સ્વીકારી લીધી હતી.આ પૂર્વ આયોજિત છટકા દરમિયાન ACBની ટીમે કાર્યવાહી કરીને બંને આરોપીઓને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા અને સ્થળ પરથી જ 10 હજાર રૂપિયા જપ્ત કર્યા હતાં. આ સફળ કાર્યવાહી બાદ ACB દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની અટકાયત કરી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.  

આ પણ વાંચોઃ Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે