રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવાવતી અતિ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પિતા બાબુભાઈ રઘાભાઈ સવસેટા પોતાની ખરાબ કુટેવો અને સ્ત્રીસંગત ધરાવતો હતો, જેના કારણે ઘરમાં અવારનવાર મોટો ઝઘડો અને માથાકૂટ થતી હતી. આ જ બાબતે બાબુભાઈને પોતાની પત્ની તેમજ પુત્ર રામાભાઈ સાથે રોજેરોજ બોલાચાલી થતી હતી.
પિતાએ ઊંઘતા પુત્રને હથોડો મારી પતાવી દીધો
બનાવના દિવસે આરોપીની પત્ની પોતાની દીકરીના ઘરે ગઈ હોવાથી ઘરમાં માત્ર પિતા બાબુભાઈ અને પુત્ર રામાભાઈ જ એકલા હતા. અગાઉથી મનમાં અદાવત રાખીને બેઠેલા પિતાએ ઊંઘી રહેલા પોતાના એકના એક પુત્ર રામાભાઈ પર અચાનક તીક્ષ્ણ અને ભારે હથોડા વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.માથાના ભાગે હથોડાના આકરા પ્રહાર વાગતાની સાથે જ રામાભાઈ સવસેટાનું ઘટનાસ્થળે જ રક્તરંજિત હાલતમાં મોત નીપજ્યું હતું. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા બાબુભાઈ સવસેટા ભાગી જવાને બદલે સીધો જ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોતે જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી સરન્ડર કર્યું હતું.
