ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા સંગઠન પ્રક્રિયા પર મજબૂત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લોકોને રિઝવવાના પ્રયાસો શરૂ કરાયા છે. આ દરમિયાન ભાજપના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં એક સમયના વિરોધી અને સાઈડલાઈન કરવામાં આવેલા નેતાઓ અચાનક દિલ્હી પહોંચતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ નેતાઓએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પાટીલ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યાં છે.
બેઠકને કારણે સમગ્ર પક્ષમાં ભારે ઉત્સુકતા
2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ગતિવિધિઓ અત્યંત તેજ બની ગઈ છે.રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપના આંતરિક રાજકારણમાં આ હિલચાલને પગલે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.લાંબા સમયથી સાઇડલાઇન ચાલી રહેલા નેતાઓ અચાનક સક્રિય થતાં સંગઠનમાં નવી ચર્ચા છેડાઈ છે. સૌરાષ્ટ્ર ભાજપના જૂના જોગીઓ તરીકે ઓળખાતા ભરત બોઘરા અને નીતિન ભારદ્વાજ એકાએક દિલ્હી પહોંચ્યા છે.આ બંને અગ્રણી નેતાઓએ દિલ્હીમાં ધામા નાખીને કેન્દ્રીય નેતૃત્વ સુધી પોતાની વાત પહોંચાડવાની કવાયત હાથ ધરી છે.અગાઉ મુખ્યમંત્રીની સી.આર.પાટીલ સાથે બેઠક યોજાઈ હતી.સીએમની મુલાકાત બાદ તુરંત જ આ બંને નેતાઓની થયેલી બેઠકને કારણે સમગ્ર પક્ષમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ મુલાકાતના વિવિધ અર્થઘટનો કાઢવામાં આવી રહ્યા છે
આ બેઠકનું સૌથી મોટું અને આશ્ચર્યજનક પાસું એ રહ્યું છે કે એક સમયે જે બે નેતાઓ રાજકીય રીતે સામસામે રહેતા હતા તે ભરત બોઘરા અને નીતિન ભારદ્વાજ હવે એકસાથે જોવા મળ્યા છે.રાજકોટના સ્થાનિક રાજકારણમાં ભૂતકાળમાં પરસ્પર વિરોધી જૂથમાં ગણાતા આ બંને દિગ્ગજો દિલ્હીમાં એક મંચ પર સાથે દેખાતા અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.બંને નેતાઓ સાથે મળીને દિલ્હી પહોંચ્યા હોવાથી સૌરાષ્ટ્રના પક્ષીય સમીકરણો બદલાવાના પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.વર્તમાન સ્થિતિમાં સંગઠન અને સત્તાથી અલિપ્ત રહેલા આ નેતાઓની સક્રિયતા આગામી ચૂંટણીઓની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં આ મુલાકાતના વિવિધ અર્થઘટનો કાઢવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર ભાજપમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા
દિલ્હી દરબારમાં પાટીલ સાથે થયેલી આ ચર્ચા બાદ સૌરાષ્ટ્ર ભાજપમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા નકારી શકાતી નથી.વર્ષ 2027ની ચૂંટણીઓ પૂર્વે પક્ષમાં જૂના જોગીઓની પુનઃ સક્રિયતા સંગઠન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. રાજકોટ ભાજપના આંતરિક સમીકરણો પર આ મુલાકાતની ઘેરી અસર પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. હાલના તબક્કે સાઇડલાઇન થયેલા આ નેતાઓ ફરી કેન્દ્રીય સ્તરે સક્રિય થતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો પ્રવર્તી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હવે આગામી દિવસોમાં આ મુલાકાતનું શું પરિણામ આવે છે તેના પર તમામની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : AMC ના દાવા પોકળ સાબિત, મેયરની જાહેરાત છતાં શહેરમાં રસ્તાઓની દયનીય હાલત યથાવત!