રાજકોટ-ભાવનગર હાઈવે પર વધુ એક વખત રફ્તારનો કહેર જોવા મળ્યો છે. હાઈવે પર આવેલા ખારચીયા ગામ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન માટે નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહેલા સદભાવના સંસ્થાના સેવાભાવીઓ જ્યારે હાઈવેની સાઈડમાં ઉછેરવામાં આવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યા હતા, ત્યારે અચાનક કાળ બનીને આવેલા એક ટેન્કરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારી ઘટનામાં 2 નિર્દોષ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બેફામ ટેન્કરે ટ્રેક્ટર અને સેવાભાવીઓને લીધા અડફેટે
મળતી વિગતો અનુસાર, સદભાવના સંસ્થાના સેવાભાવી કાર્યકરો અને ટ્રેક્ટર ચાલક રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચીયા પાસે પોતાના નિત્યક્રમ મુજબ ટ્રેક્ટરની મદદથી વૃક્ષોને પાણી પાવાનું પુણ્યનું કાર્ય કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહેલા એક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

