રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'પ્રમુખ નાગરિક ગોષ્ઠિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિત શહેર ભાજપના અગ્રણી નેતાઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાધારણ પરિવારના નેતૃત્વ અને વિદેશી શક્તિઓના ઉપયોગ અંગે નિવેદન
કાર્યક્રમને સંબોધતા સાંસદ સંબિત પાત્રાએ નામ લીધા વિના કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા કેટલાક સમયથી એવા લોકો સક્રિય છે, જેઓ સાધારણ પરિવારમાંથી આવતા વ્યક્તિને સત્તા પર બેઠેલા જોઈ શકતા નથી. પાત્રાએ આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે આવા તત્વો દ્વારા વિદેશી શક્તિઓનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.
SIR મુદ્દે કોંગ્રેસના ઈતિહાસનો ઉલ્લેખ
મતદાર યાદી સુધારણા એટલે કે SIRના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધતા પાત્રાએ કહ્યું હતું કે, SIR નો ખોટો મુદ્દો ઉભો કરીને જનતાને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આંકડાકીય વિગતો આપતા દાવો કર્યો હતો કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 12 વખત SIR ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 11 વખત તો કોંગ્રેસના શાસનકાળમાં જ થઈ હતી અને 1952 માં સૌપ્રથમ વખત કોંગ્રેસે જ આ પ્રક્રિયા કરી હતી.

વોટ ચોરીના આરોપો અને BLO ની કામગીરીની સ્પષ્ટતા
વિપક્ષ દ્વારા લગાવવામાં આવતા 'વોટ ચોરી'ના આક્ષેપોને ફગાવતા ભાજપ સાંસદે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખોટી રીતે વોટ ચોરીને રાજકીય મુદ્દો બનાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જો વાસ્તવમાં વોટ ચોરી થઈ હોત તો જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો હોત અને લોકો મને અમદાવાદથી રાજકોટ સુધી પહોંચવા પણ ન દેત.
મતદાર યાદીમાંથી નામ કમી થવાની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, BLO (બૂથ લેવલ ઓફિસર) 3 વખત ઘરે જઈને તપાસ કરે છે; જ્યાં કોઈ હાજર ન હોય, સ્થળાંતર થઈ ગયું હોય, મૃત્યુ થયું હોય અથવા બે અલગ-અલગ જગ્યાએ નામ નોંધાયેલા હોય, માત્ર તેવા જ લોકોના નામ નિયમ મુજબ દૂર કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના પરિણામો અને ચૂંટણી પંચ અંગે ટિપ્પણી
પશ્ચિમ બંગાળની ચૂંટણીનો દાખલો આપતા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, બંગાળમાં જ્યાં સૌથી વધુ મત કપાયા હતા તેવી 20 બેઠકો પર TMC (તૃણમૂલ કોંગ્રેસ) ની જીત થઈ છે અને જ્યાં મત કપાયા ત્યાં ભાજપની હાર થઈ છે, તેમ છતાં વિપક્ષ દ્વારા ભાજપ પર ખોટા આરોપો લગાવવામાં આવે છે.
વધુમાં, ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપતા તેમણે કહ્યું કે, જ્ઞાનેશ કુમાર ચૂંટણી કમિશનર બન્યા તે પહેલા જ ભાજપ ચૂંટણીઓ જીતી ચૂક્યું હતું અને કોંગ્રેસ 50 વખતથી વધુ હારી ચૂકી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમારી પાસે પણ યાદી છે કે ભૂતકાળમાં કોંગ્રેસે કયા ચૂંટણી કમિશનરને પદ્મભૂષણ એવોર્ડ આપ્યો અને કોને રાજ્યપાલ બનાવ્યા હતા.
https://x.com/sandeshnews/status/2125641116280328635?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2125641116280328635%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
દેશહિત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની બાંહેધરી
પોતાના સંબોધનના અંતે સાંસદ પાત્રાએ વિપક્ષ પર પરિવારવાદનો કટાક્ષ કરતા કહ્યું હતું કે, વિરોધ પક્ષને દેશની નહીં પરંતુ પોતાના સંતાનો 'વેલ સેટ' થયા છે કે નહીં તેની જ ચિંતા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર દેશની ચિંતા છે અને તેઓ દેશને ક્યારેય ઝૂકવા દેશે નહીં. અંતમાં તેમણે ઉપસ્થિત નાગરિકો સમક્ષ દાવો કર્યો હતો કે, દેશમાં એક પણ વોટની ચોરી થઈ નથી અને તેની તેઓ બાંહેધરી આપે છે.
આ પણ વાંચો: Rajkot News: મોતનું કારણ બન્યો પતંગનો દોરો! ગળું કપાવાથી બાઈક સવાર યુવકે ગુમાવ્યો જીવ