રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિ કે ઉત્તરાયણના તહેવારને હજુ વાર છે, પરંતુ તે પહેલા જ એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઘર પાસે જઈ રહેલા એક યુવક માટે પતંગનો દોરો કાળમુખો સાબિત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 21 નવેમ્બરના રોજ આ ગમખ્વાર બનાવ બન્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બાઈક સવાર યુવકના ગળામાં ફસાયો ઘાતક દોરો
ઘટનાના દિવસે 20 વર્ષીય અતિક ચૌહાણ પોતાના બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો. તે કુંભારવાડા વિસ્તારમાં પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક હવામાં લટકતો પતંગનો ઘાતક દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. દોરો ગળામાં ભરાઈ જવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પછડાયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

