રાજકોટ શહેરનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યો હોવાથી આગ અને અકસ્માતની ઘટનાઓમાં તાત્કાલિક મદદ પહોંચાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શહેરમાં નવા પાંચ ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ દિવાળી વેકેશન બાદ આવતીકાલથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોવાથી શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટી ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં 8 ફાયર સ્ટેશન ઉપરાંત નવા 5 તૈયાર થશે

મળતી વિગતો અનુસાર, હાલમાં રાજકોટ મનપા વિસ્તારમાં કુલ 8 ફાયર સ્ટેશન કાર્યરત છે, પરંતુ શહેરનો વિસ્તાર વધવાની સાથે નવા ફાયર સ્ટેશનની જરૂરિયાત ઊભી થતાં વધુ 5 નવા ફાયર સ્ટેશન તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની મુખ્ય કચેરી અને બેડીપરા ફાયર સ્ટેશનનું રિનોવેશન અને નવીનીકરણ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ અલગ-અલગ 2,374 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ફાયર બ્રિગેડને 100થી વધુ આગના કોલ મળ્યા હતા, જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દર 6 મિનિટે આગ બુઝાવવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

આવતીકાલથી શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટી ચેકિંગ

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આવતીકાલથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આવતીકાલથી શહેરની તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ધરવામાં આવશે.તપાસ દરમિયાન ફાયર NOC અને ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હાલતમાં છે કે નહીં તેની કાર્યક્ષમતા ચકાસવામાં આવશે.જે શાળા કે કોલેજમાં ફાયર NOC નહીં હોય અથવા ફાયરના સાધનો બંધ હાલતમાં જણાશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.નિયમોનું પાલન ન કરનારી સંસ્થાઓની યાદી બનાવીને તેની જાણ શિક્ષણ વિભાગને પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Bhavnagar: જેલમાં બંધ જમીન કૌભાંડના આરોપી પથુભા ગોહિલનું મૃત્યુચ હાર્ટની બીમારીના કારણે હાર્ટ એટેક આવતા દમ તોડ્યો