રાજકોટ શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ બસ પોર્ટ વિસ્તારમાં મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બસ પોર્ટના પાછળના ભાગે આવેલા માર્ગ પર એક પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બેકાબૂ બની હતી અને રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો અચાનક સર્જાયો હતો કે આસપાસના લોકોને સંભાળવાનો મોકો જ મળ્યો નહોતો. કારની ટક્કર વાગતાં જ બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.

મોટી જાનહાનિ થતા ટળી  

કારની જોરદાર ટક્કર હોવા છતાં, સદનસીબે ઈજાગ્રસ્ત બંને લોકોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો અને બસ પોર્ટના મુસાફરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ત્વરિત પ્રાથમિક સારવાર અપાવવાની વ્યવસ્થા કરી હતી.

ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો ભેગા થઈ જતાં પકડાઈ જવાના ડરે કાર ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યો હતો.બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર કારને પોતાના કબ્જે લઈ લીધી છે. કાર ચાલકની ઓળખ કરીને તેને ઝડપી પાડવા માટે પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Chhotaudepur: નસવાડીમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ, અશ્વિન નદીના પૂરમાં યુવક ફસાયો