ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલી છે. પરંતુ તેની કાળી બાજુ એ છે કે, રોજ રાજ્યમાં કરોડોની કિંમતનો દારુ ઠલવાય છે અને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ પણ ચાલુ છે તે પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂના જથ્થાની ઘટનાઓ પરથી જોવા મળે છે. રાજ્યમાં સરકાર દ્વારા વાઈન એન્ડ ડાઈન પોલીસી અંતર્ગત ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવા માટે એક ઝૂંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત આ ઝુંબેશ ચલાવનાર અતુલભાઈ દ્વારા રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
ગાંધીજીના નામે માત્ર દંભ અને લોકોને અન્યાય
સોશિયલ મીડિયામાં ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવા અંગેની ઝૂંબેશ ચલાવતા અમદાવાદના અતુલભાઈએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે રાજ્યમાંથી તુરંત દારૂબંધી હટાવવામાં આવે તેવી પ્રબળ માંગણી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.અતુલભાઈએ જણાવ્યું હતું કે,જો રાજ્યમાં દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને હજારો કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત થશે.રાજ્યમાં ચાલતો ભ્રષ્ટાચાર દૂર થશે અને નકલી દારૂના દૂષણથી ગુજરાતની જનતાને મોટી મુક્તિ મળી શકશે.તેમણે આક્ષેપ કર્યો હતો કે દારૂબંધીના કાયદાને લઈને ગાંધીજીના નામે માત્ર દંભ અને લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
