રાજકોટ ફરી એકવાર તમંચાની ગૂંજ અને ઘાતકી મર્ડરથી ધ્રૂજી ઉઠ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા નાનામવા રોડ, મોકાજી સર્કલ નજીક આવેલા નાનામૌવા ગામતળ શેરી નંબર-4 માં 8 જુલાઈની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના ઘટી હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા અને પોતાના માતા-પિતાના એકના એક 32 વર્ષીય આશાસ્પદ દીકરા કૃષ્ણસિંહ જાડેજા પોતાના ઘર પાસે હાજર હતા. આ દરમિયાન ત્યાંથી પૂરપાટ ઝડપે અને કર્કશ અવાજ સાથે બુલેટ મોટરસાયકલ હંકાવીને નીકળેલા એક સગીર સાથે કૃષ્ણસિંહને સામાન્ય બોલાચાલી અને ટોકટોક થઈ હતી. આ નાની અમથી વાત સગીર વયના છોકરાને એટલી અહમ પર લાગી ગઈ કે તેણે ફોન કરીને પોતાના મોટાભાઈ રાજવીર વાળા અને પિતા રણજીત વાળાને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા.

ઘર આંગણે જ આડેધડ ફાયરિંગ અને કુંદાના ઘા

આરોપી રણજીત વાળા પોતાના બંને પુત્રો સાથે સ્વિફ્ટ કારમાં કૃષ્ણસિંહના ઘર બહાર પહોંચ્યો હતો. ત્યાં જાહેરમાં ઉગ્ર ગાળાગાળી અને ઝઘડો શરૂ થયાના થોડી જ સેકન્ડોમાં રણજીત વાળાએ પોતાની કમરમાંથી ગેરકાયદેસર પિસ્તોલ કાઢી કૃષ્ણસિંહ પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4 થી 5 રાઉન્ડ આડેધડ ફાયરિંગ ઝીંકી દીધું હતું. ગોળીઓ વાગવાના કારણે કૃષ્ણસિંહ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. આ સમયે ઘરમાંથી બચાવવા માટે દોડી આવેલા તેમના 72 વર્ષીય પિતરાઇ દાદા રહેન્દ્રસિંહ જાડેજા વચ્ચે પડતા, ઉશ્કેરાયેલા રણજીત વાળાએ બંદૂકના પાછળના ભાગ (કુંદા) થી તેમના માથામાં હિચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ગંભીર હાલતમાં કૃષ્ણસિંહને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક યુવાન પોતાના પાછળ નાની ઉંમરના દીકરા-દીકરી અને પત્નીને વિલાપ કરતા છોડી ગયો છે.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના, હાઇવે પરથી આરોપીઓ ઝડપાયા

હત્યાની આ સમગ્ર રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પૂર પ્રભાવિત અને પોલીસ પરિવાર સાથે જોડાયેલો મામલો હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ શહેરના તમામ એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવી દીધી હતી. ટેક્નિકલ સેલની મદદથી ખબર પડી હતી કે આરોપીઓ ગુનો આચરીને પોતાની કારમાં વતન અમરેલી તરફ ભાગી રહ્યા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે પીછો કરીને રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામ નજીકથી મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાને દબોચી લીધા હતા, જ્યારે સગીરને જુવેનાઇલ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવાયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રણજીત વાળા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ ગંભીર કેસો નોંધાયેલા છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી છે અને ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અંગે રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Surat: DyCM સતત બીજા દિવસે ગ્રાઉન્ડ ઝીરો પર, ભટાર વિસ્તારમાં 2,000 લોકોને પરિવાર દીઠ રૂ. 6,800 ની આર્થિક સહાય