સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થવાને કારણે આસપાસના અનેક સોસાયટીઓ અને સ્લમ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ પૂરના કારણે સેંકડો પરિવારોની ઘરવખરી અને કપડાં નાશ પામ્યા છે. મુશ્કેલીના આ સમયે પ્રજાની વચ્ચે રહીને કામ કરવાના હેતુથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે પણ સુરત શહેરના પ્રવાસે છે. વહેલી સવારથી જ તેમણે સુરતના ખાડી પૂરના સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા ભટાર વિસ્તારની પદયાત્રા કરી હતી. તેમણે સ્થાનિક નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી અને અધિકારીઓને ઓન-ધ-સ્પોટ નિકાલ કરવાના આદેશો આપ્યા હતા.
6,800 ના રાહત પેકેજનું વિતરણ
સરકાર દ્વારા પૂર પ્રભાવિતો માટે જાહેર કરાયેલી તાત્કાલિક આર્થિક સહાયનું વિતરણ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શરૂ કરાવવામાં આવ્યું છે. આ પેકેજ અંતર્ગત પૂરનો ભોગ બનેલા દરેક કાયદેસરના પરિવારને કુલ 6,800ની સહાય આપવામાં આવી રહી છે. આ સહાયના માળખામાં નુકસાન પામેલી ઘરવખરી બહાલ કરવા માટે 2,500 (ઘર ખર્ચ), પૂરના પાણીમાં કપડાં ખરાબ થઈ ગયા હોવાથી નવી ખરીદી માટે 2,500 (કપડાં સહાય) અને તાત્કાલિક રોજિંદા ખર્ચ માટે 1,800 (કેશ ડોલ્સ) નો સમાવેશ થાય છે. ભટાર વિસ્તારમાં આયોજિત કેમ્પ અને ડોર-ટુ-ડોર વિતરણ વ્યવસ્થા દ્વારા આજે એક જ દિવસમાં અંદાજે 2,000થી વધુ લોકોને આ રકમ ચૂકવવાનું લક્ષ્યાંક વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે.
