રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલા વેગડી પુલ પર એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ધોરાજીમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી શાંતિભાઈ ઠેસીયા નામના પ્રોઢે અગમ્ય કારણોસર ભાદર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર ધોરાજી અને આસપાસના પંથકમાં ભારે શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.
પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા મૃતદેહ બહાર કઢાયો
બનાવની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાની ટીમ અને ધોરાજી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભાદર નદીના પાણીમાંથી શાંતિભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે, અને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
વેગડી પુલ બન્યો "સુસાઈડ પોઈન્ટ"
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધોરાજી અને જામકંડોરણાને જોડતો આ વેગડી પુલ હવે જાણે 'સુસાઈડ પોઈન્ટ' બની ગયો હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે આ પુલ પરથી ભાદર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાના 1 થી 2 બનાવો અચૂક બને છે. યોગ્ય સુરક્ષાના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનો આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
પુલ પર લોખંડની સુરક્ષા રેલિંગ બનાવવાની માગ
તરવડા ગામના સ્થાનિક આગેવાન અને સરપંચ રણજીતભાઈ વસોયા તેમજ બાજુમાં આવેલા વેગડી ગામના લોકોએ તંત્ર સામે એકસૂરે માગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું છે કે, જો તંત્ર દ્વારા વેગડી પુલની બંને બાજુ ઊંચી લોખંડની જાળી કે સેફ્ટી રેલિંગ મઢી દેવામાં આવે, તો આવા આત્મહત્યાના બનાવોને ચોક્કસપણે અટકાવી શકાય તેમ છે. સ્થાનિકોએ આ અંગે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગ કરી છે.
આ પણ વાંચો - Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો