રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીના વોકળા કાંઠા વિસ્તારમાં પીવાની પાણીની મુખ્ય લાઈન અને કનેકશન લીકેજ થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ લીકેજના કારણે લાખો લીટર કિંમતી પીવાનું પાણી રસ્તાઓ પર અને વોકળામાં વહીને વેડફાઈ રહ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.
વગર વરસાદે રસ્તાઓ પર સર્જાયો ચોમાસા જેવો માહોલ
એક તરફ નાગરિકો શુદ્ધ પીવાના પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીથી લાખો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે. ધોરાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ વિસ્તારોમાં વગર વરસાદે પાણી ભરાવવાની અને રસ્તાઓ પર પાણી વહેતી થવાની સમસ્યા કાયમી બનતી જાય છે, જેના કારણે અવારનવાર ચોમાસા જેવો માહોલ સર્જાય છે.

