સૌરાષ્ટ્રના તેલ બજારના મુખ્ય કેન્દ્ર ગણાતા રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચિંતાજનક અહેવાલ આવ્યા છે. ચોમાસાની સીઝન જામી છે અને આગામી સમયમાં તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે, બરાબર એ જ સમયે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજીનો કરંટ જોવા મળ્યો છે. હોલસેલ અને રીટેલ માર્કેટમાં સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાના ભાવમાં સીધો રૂ. 50નો તોતિંગ વધારો જીંકી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે સિંગતેલ સામાન્ય માણસની પહોંચથી વધુ દૂર થઈ ગયું છે.
કપાસિયા તેલમાં પણ બળતામાં ઘી હોમાયું
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ ગુજરાતના મોટાભાગના ઘરોમાં વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ રૂ. 30નો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે સિંગતેલના ભાવ વધે ત્યારે મધ્યમ વર્ગ કપાસિયા તેલ તરફ વળતો હોય છે, પરંતુ કપાસિયામાં પણ ભાવ વધતા હવે રસોઈ બનાવવી મોંઘી સાબિત થશે. બજારના વેપારીઓના મતે, મિલોમાં કાચા માલની (કપાસિયા અને સિંગદાણા) ઓછી આવક અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે ચાલુ વર્ષે સિંગતેલમાં શરૂઆતથી જ તેજીનો ટોન રહ્યો છે, જે અત્યારે પણ યથાવત છે.
