રાજકોટમાં શીતલ પાર્ક પાસે આવેલી ઇવેન્ટ ફ્લિક્સ ઓફિસના ખાનગી થિયેટરમાં બર્થડે-એનિવર્સરી સેલિબ્રેશનની આડમાં દારૂની મહેફિલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ મામલે કંપનીએ સત્તાવાર ખુલાસો કરીને સ્પષ્ટતા કરી છે કે આ પ્રવૃત્તિ મેનેજમેન્ટની મંજૂરી વગર થઈ હતી. જેથી આ ઘટનામાં સંડોવાયેલા સંબંધિત કર્મચારીઓને નોકરીમાંથી તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા છે.

ખાનગી થિયેટરો હવે અય્યાશીનો અડ્ડો બની રહ્યા છે

રાજકોટ શહેરમાં વધુ એક દારૂની મહેફિલનો કથિત વીડિયો સામે આવતાં ભારે ચર્ચા જાગી છે.શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ઇવેન્ટ ફ્લિક્સ ઓફિસ ખાતે ખાનગી થિયેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.અહીં સામાન્ય રીતે લોકો દ્વારા બર્થડે કે એનિવર્સરી સેલિબ્રેશનના પારિવારિક કાર્યક્રમો માટે હોલ બુક કરવામાં આવતો હોય છે.જોકે આ ખાનગી થિયેટરો હવે અય્યાશીનો અડ્ડો બની રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.વાયરલ દ્રશ્યોમાં જોવા મળે છે કે સેલિબ્રેશન પેકેજની આડમાં ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી.આ ઉજવણી દરમિયાન ટેબલ પર દારૂની બોટલો સ્પષ્ટ નજરે પડી રહી છે જેના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચી ગયો છે.

30 મિનિટના રૂ.2000 જેટલું ઊંચું ભાડું 

આ ખાનગી થિયેટરમાં સેલિબ્રેશન કરવા માટે ગ્રાહકો પાસેથી પ્રતિ 30 મિનિટના રૂ.2000 જેટલું ઊંચું ભાડું વસૂલવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટની જાહેરાત અને વાયરલ વીડિયોમાં દેખાતી દારૂની બોટલો હાલ શહેરીજનોમાં ભારે ચર્ચાનો મુખ્ય વિષય બની છે.અગાઉ સરાઝા હોટલમાં યોજાયેલી હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટીની ઘટના સામે આવી હતી.ત્યારે હવે ખાનગી થિયેટરમાં પણ આ પ્રકારની ખુલ્લેઆમ મોજમજા ચાલતી હોવા છતાં રાજકોટ પોલીસ સાવ અંધારામાં રહી છે.પોલીસ તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે આવા અડ્ડાઓ પર નશાની મહેફિલો ધમધમતી હોવાથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

દારૂ પાર્ટીને મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવી ન હતી

આ વિવાદ સોશિયલ મીડિયામાં વ્યાપક બનતાં ઇવેન્ટ ફ્લિક્સ કંપની દ્વારા સત્તાવાર પ્રક્રિયા હાથ ધરી પોતાના સોશિયલ મીડિયા પેજ પર વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો છે.કંપની મેનેજમેન્ટે સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની દારૂ પાર્ટીને મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવી ન હતી. આ સમગ્ર પ્રવૃત્તિ મેનેજમેન્ટની મંજૂરી વગર સંબંધિત કર્મચારીઓ દ્વારા આચરવામાં આવી હતી. કંપનીએ નિયમોના ઉલ્લંઘન બદલ ગંભીર નોંધ લઈને સંબંધિત તમામ વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી છે અને ઘટનામાં સંડોવાયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાયમ માટે છૂટા કરી દેવામાં આવ્યા છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આંતરિક તકેદારી રાખવાની ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: સરકાર બુલેટ ટ્રેન માટે પાવર સપ્લાય ક્યાંથી મેળવશે, જાણો કોણ ભરશે તેનું બિલ?