રાજકોટમાં ટ્રાવેલ એજન્ટો અને પ્રવાસન પેઢીઓની આડમાં ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 'ફેસ્ટિવલ હોલીડે' નામની પેઢી ચલાવતા દંપતીએ આકર્ષક આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેકેજોની લાલચ આપીને અનેક પરિવારના મહેનતના નાણાં પચાવી પાડ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

દંપતીએ લાલચ આપીને નાણાં પચાવી પાડ્યા

મળતી માહિતી મુજબ, આરોપી અભિનવ પટેલ અને તેની પત્ની ધારા પટેલ પોતાની 'ફેસ્ટિવલ હોલીડે' પેઢી મારફતે લોકોને વિદેશ પ્રવાસે લઈ જવાની જાહેરાતો અને સસ્તા પેકેજો બતાવીને જાળમાં ફસાવતા હતા. આરોપી દંપતીએ મુખ્યત્વે વિયેતનામ, બાલી, મલેશિયા અને થાઇલેન્ડ જેવા પ્રવાસી દેશોના હોલીડે પેકેજો બુક કરાવવાના નામે નાગરિકો પાસેથી એડવાન્સ પેમેન્ટ વસૂલ કરી લીધું હતું.

દુબઈથી સસ્તા આઇફોન આપવાની પણ આપી લાલચ

ગ્રાહકોનો વધુ વિશ્વાસ જીતવા માટે અને વધારે પૈસા પડાવવા માટે આરોપી દંપતીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ડ્યુટી-ફ્રી કનેક્શન દ્વારા દુબઈથી માર્કેટ કરતાં ખૂબ જ સસ્તા ભાવે એપલ આઇફોન (iPhone) મંગાવી આપે છે. આ આકર્ષક લાલચમાં આવીને અનેક લોકોએ આઇફોન બુક કરાવવા માટે લાખો રૂપિયા એડવાન્સ ચુકવી દીધા હતા.

50 લાખથી વધુની રકમની ઠગાઈ

નાણાં મેળવ્યા બાદ પણ કોઈ ટૂરનું બુકિંગ કે આઇફોનની ડિલિવરી ન મળતાં અને દંપતી દ્વારા વારંવાર બહાના બતાવવામાં આવતાં, આખરે છેતરાયેલા ગ્રાહકો માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં કુલ 9 જેટલા લોકો સાથે રૂ. 50 લાખથી વધુની રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.માલવીયાનગર પોલીસે ભોગ બનનાર નાગરિકોની ફરિયાદના આધારે અભિનવ પટેલ અને ધારા પટેલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે તપાસ દરમિયાન અન્ય પણ અનેક પીડિતો સામે આવી શકે છે.

આ પણ વાંચો:  Aravalli: ભિલોડામાં વહેલી પરોઢે 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો, ઇન્દ્રાશી નદીમાં નવા નીરની આવક