રાજકોટ શહેરમાં વ્યાજખોરોના અમાનુષી ત્રાસ અને પઠાણી ઉઘરાણીના કારણે લસણના વેપારી અને તેમની પત્નીએ જીવન ટૂંકાવી લીધાની હૃદયદ્રાવક ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. અટીકા ફાટક પાસે આવેલા કારખાનામાં દંપતીએ આત્મહત્યા કરી લીધા બાદ પરિવારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ ગંભીર મામલે નોંધાયેલી ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યાજખોરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ ત્રણ વ્યાજખોરોની થઈ ધરપકડ

ભક્તિનગર પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની વિગતો ગોગન કાળાભાઈ બધિયા (રહે. મોરબી),નિઝામ અબ્બાસભાઈ ઢુસા (રહે. રાજકોટ)ફકરૂનિશા મહમદ હુસેન બુખારી (મહિલા આરોપી, રહે. રાજકોટ)પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મની લેન્ડર્સ એક્ટ અને દુષ્પ્રેરણની ગંભીર કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારખાનામાં જ દંપતીએ ગળી લીધું હતું ઝેર

રાજકોટના અટીકા ફાટક નજીક આવેલા કારખાનામાં લસણનો વેપાર કરતા વેપારી અને તેમના પત્નીએ વ્યાજખોરોના સતત મળતા ત્રાસ, ધમકીઓ અને માનસિક દબાણથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.ઘટનાની ગંભીરતાને જોતાં ભક્તિનગર પોલીસે મૃતક વેપારીના પરિવારજનોની ફરિયાદના આધારે કુલ પાંચ વ્યાજખોરો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો.ગુનો દાખલ થતાં જ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મોરબી અને રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી દંપતીને સતત ધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે લાચાર બનીને દંપતીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.

બાકીના બે આરોપીઓ સામે ગાળિયો મજબૂત

કેસમાં નામચીન પાંચ આરોપીઓ પૈકી ત્રણ પકડાઈ ચૂક્યા છે, જ્યારે બાકી બચેલા બે વ્યાજખોરો ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભક્તિનગર પોલીસની ક્રાઇમ ટીમો દ્વારા તેમના સંભવિત આશ્રયસ્થાનો પર સતત વોચ ગોઠવીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Rajkot: અમિત ખૂટ કેસમાં ફરી કાનૂની પાસા પલટાયા; અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન સુપ્રીમ કોર્ટે રાખ્યા યથાવત