રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ખેડૂતોની નારાજગી અને સંભવિત આંદોલન સમેટી લેવા માટે ભાજપ દ્વારા એક મોટો રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. ગોંડલના પ્રખ્યાત BAPS અક્ષર મંદિર ખાતે ભાજપ પ્રેરિત એક ભવ્ય 'ખેડૂત સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ફેલાયેલી નારાજગીને દૂર કરવાનો અને આગામી આંદોલનની ધાર બૂઠી કરવાનો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 


આવક બમણી કરવા અને પ્રાકૃતિક ખેતી અંગે દાવા

અક્ષર મંદિર પરિસરમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જોરશોરથી રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના ફાયદાઓ વિશે મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.

પ્રદેશ નેતાગીરી અને મંત્રીઓની સ્ટેજ પર હાજરી

આ ખેડૂત સંમેલનમાં ભાજપના ટોચના નેતાઓ અને મંત્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વિવિધ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સહકારી આગેવાનોની હાજરી વચ્ચે સંગઠનને મજબૂત કરવા અને ખેડૂતોને રિઝવવા માટે મંથન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોના ઉપવાસ મુદ્દે કૃષિ મંત્રીનું મૌન

આ કાર્યક્રમમાં બધું જ સુમેળભર્યું દેખાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ખેડૂતોની વાસ્તવિક નારાજગી હજુ પણ યથાવત છે. ખેડૂતો દ્વારા 18 જૂનથી જ શરૂ કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન અંગે જ્યારે મીડિયાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછ્યો, ત્યારે તેઓ આ મુદ્દે સંપૂર્ણ 'મૌન' સેવી ગયા હતા. મંત્રીશ્ના આ મૌનથી અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે કે, શું ભાજપ ખેડૂતોના આક્રોશને ડામવામાં ખરેખર સફળ રહેશે કે કેમ?

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ખેડૂતોમાં નારાજગી છે. જે કારણે મોટા ખેડૂત આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. આવામાં સત્તા પક્ષ દ્વારા ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે ખેલાયેલો આ દાવ કેટલો કારગત નીવડશે, એતો આવનારો સમય બતાવશે.


આ પણ વાંચો - Rajkot: બાલાજી વેફર ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાયાના આક્ષેપ, બચાવમાં ઉતરેલું પ્રદૂષણ બોર્ડ સવાલોના ઘેરામાં


  • Follow us on: