રાજકોટની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાવવાની ઘટનાઓ નવી નથી, પરંતુ આ વખતે મામલો શહેરના પીવાના અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત એવી ન્યારી નદી સાથે જોડાયેલો છે. રાજકોટ નજીક આવેલી નામાંકિત બ્રાન્ડ ‘બાલાજી વેફર્સ’ ની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાંથી નીકળતું પ્રોસેસ્ડ અને દૂષિત પાણી ગુપ્ત પાઇપલાઇન મારફતે ન્યારી નદીના વહેણમાં છોડવામાં આવી રહ્યું હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો સ્થાનિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રદૂષણના કારણે નદીનું પાણી કાળું પડી રહ્યું છે અને આસપાસના ભૂગર્ભ જળ પણ ઝેરીલા બની રહ્યા છે.


પ્રદૂષણ બોર્ડની શંકાસ્પદ ભૂમિકાથી વિવાદ વકર્યો

જે સરકારી વિભાગની મુખ્ય જવાબદારી પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાયદાકીય કડક પગલાં લેવાની, ફેક્ટરી સીલ કરવાની કે મસમોટો દંડ ફટકારવાની છે, તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓની ભૂમિકા આ કેસમાં શંકાના દાયરામાં આવી ગઈ છે. GPCB ના જવાબદાર અધિકારીઓએ આ મામલે ચોંકાવનારું બચાવનામું રજૂ કરતા જણાવ્યું છે કે, “અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે બાલાજી વેફર્સ ફેક્ટરી દ્વારા કોઈ ડોમેસ્ટિક કે ઔદ્યોગિક વેસ્ટ વોટર નદીમાં છોડાતું હોય તેવો કોઈ પુરાવો હાથ લાગ્યો નથી. જે પાઇપલાઇન અંગે આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યાં હાલમાં કોઈ ગંદુ પાણી વહેતું જોવા મળ્યું નથી.”

માલિકોને બચાવવા માટે પ્રશાસનના ધમપછાડા

સ્થાનિક રહીશો અને પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્યોનો સીધો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ જનતાના સ્વાસ્થ્યના ભોગે બાલાજી ફેક્ટરીના માલિકો સામે નતમસ્તક થઈ ગયા છે. ફેક્ટરી પ્રશાસનને અગાઉથી જ તપાસની ઓન-પેપર માહિતી આપી દેવામાં આવી હોવાથી પાણીનો નિકાલ તત્કાલ બંધ કરી દેવાયો હતો અને અધિકારીઓએ ત્યાં જઈને માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાનું નાટક કર્યું છે. કંપનીને પર્યાવરણ સુરક્ષા એક્ટ હેઠળ થનારી મોટી કાયદાકીય કાર્યવાહી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના દંડાત્મક આદેશોમાંથી બચાવવા માટે પ્રદૂષણ બોર્ડ દ્વારા ખોટા બહાના અને લૂલા બચાવ કરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય તટસ્થ વિજિલન્સ તપાસ થાય અને પાણીના કેમિકલ સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Bhavnagar: મહુવા હાઈવે પર બુટલેગરની ઇનોવા કાર પલટી, તરેડ ગામ નજીક અકસ્માત બાદ દારૂ-બિયરની રેલમછેલ


  • Follow us on: