રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ગોંડલ ચોકડી બ્રિજ ફરી એકવાર પોતાની નબળી કામગીરી અને કથિત ભ્રષ્ટાચારને લઈને વિવાદના વંટોળમાં ફસાયો છે. વર્ષ 2023માં અંદાજે 90 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા 1.2 કિલોમીટર લાંબા સિક્સલેન બ્રિજના નીચેના ભાગેથી અચાનક પોપડા પડવાની ઘટના સામે આવી છે. બ્રિજ પરથી રસ્તા પર કાટમાળ ખરી પડતાં વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હજારો લોકો હેરાન-પરેશાન થયા હતા.
ગોંડલ ચોકડી બ્રિજની નબળી ગુણવત્તા
રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી વિસ્તારમાં 90 કરોડના ખર્ચે 1.2 કિમી લાંબો સિક્સલેન ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ લોકાર્પણના માત્ર 3 જ વર્ષના ટૂંકા ગાળામાં બ્રિજની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પુલના જોઈન્ટ (સાંધા) માં નબળી કામગીરીના કારણે તિરાડો પડી જતાં તંત્રને બ્રેકર મશીનથી પુલના સાંધા તોડીને ફરીથી સાંધવાની (રિપેરિંગ) ફરજ પડી હતી. હવે બ્રિજ નીચેથી પોપડા અને કાટમાળ પડતાં તેની મજબૂતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.આ બ્રિજ વિવાદમાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ બ્રિજના જોઈન્ટમાં 4 ઇંચ જેટલી મોટી તિરાડ પડી ગઈ હતી તેમજ બ્રિજની સેફ્ટીવોલ પણ તૂટી ગઈ હતી.
