રાજકોટ જિલ્લાનું ચર્ચાસ્પદ અને રાજકીય રીતે સંવેદનશીલ ગણાતું રીબડા ગામ ફરી એકવાર ગોળીબારની ઘટનાને લઈને વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલા એક સામાન્ય યુવક પર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સહિત પાંચ જેટલા શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને મામલો ગરમાતાં પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી ચાર સાગરીતોને દબોચી લીધા છે.
સામાન્ય બાબતમાં બકરા ચરાવતા યુવક પર કર્યું ફાયરિંગ
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, સડક પીપળીયા ગામના સીમ વિસ્તારમાં એક યુવક બકરા ચરાવી રહ્યો હતો. તે દરમિયાન રીબડાના ધ્રુવરાજસિંહ જાડેજા પોતાના ચાર સાથીદારો સાથે ધસી આવ્યા હતા. કોઈ સામાન્ય બોલાચાલી કે અદાવતની બાબતમાં ઉશ્કેરાઈ જઈને ધ્રુવરાજસિંહ અને તેના સાગરીતોએ યુવકને ડરાવવા અને નિશાન બનાવવાના હેતુથી ખુલ્લેઆમ હથિયારમાંથી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ગોળીબારની ઘટના બનતાં જ સીમ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને યુવક માંડ-માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
