દેશભરમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ઉત્તર ભારત સહિત દેશના અડધાથી વધુ ભાગોમાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછું હટી ગયું છે. હવામાન વિભાગના તાજા ડેટા અનુસાર, પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા રાજ્યોમાં વરસાદી સિસ્ટમ વિખેરાઈ ચૂકી છે અને વાતાવરણ સૂકું બનવા લાગ્યું છે.

ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી સત્તાવાર વિદાય

ચોમાસાની પરત ફરવાની રેખા ઝડપથી દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધી રહી છે.ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી વાદળો હટી ગયા છે અને ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે, જેના પગલે હવે બપોરના સમયે ઉકળાટ અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ શરૂ થયો છે.રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પશ્ચિમ અને પૂર્વીય રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાંથી પણ ચોમાસું સંપૂર્ણ પાછું ખેંચાઈ ગયું છે. આ વિસ્તારોમાં હવે સૂકા ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થયું છે.

WhatsApp Image 2026-10-05 at 2.16.20 PM

15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિદાયની શક્યતા

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને એન્ટિ-સાયક્લોનિક સરક્યુલેશન મજબૂત થઈ રહ્યું છે. આ અનુકૂળ પરિસ્થિતિઓને જોતાં આગામી 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેશે તેવી પ્રબળ શક્યતા છે. ચોમાસું વિદાય લેતાંની સાથે જ હવે મધ્ય અને ઉત્તર ભારતમાં બેવડી ઋતુનો અનુભવ થશે, જેમાં બપોરે 'ઓક્ટોબર હીટ' અને રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડા સાથે ધીમે-ધીમે ગુલાબી ઠંડીનું આગમન થશે. ખેડૂતો માટે પણ આ સ્થિતિ ખરીફ પાકની લણણી અને રવિ પાકના વાવેતર માટે સાનુકૂળ સાબિત થશે.

આ પણ વાંચો: Gandhinagar: વીજળી બચત સાથે કરોડોની કમાણી; ગુજરાત બનશે દેશનું રિન્યુએબલ ઊર્જા હબ