રાજકોટના માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે તે પૂર્વે યાર્ડમાં લીલા શાકભાજીની આવક શરૂ થઈ છે. શરૂઆતમાં લીલા શાકભાજીના ભાવ આસમાને જ હોય છે ખાસ કરીને વાલ, લીલું લસણ, વટાણા અને ડુંગળી લીલીમાં ભાવ વધારો થતાં ગરીબ અને મધ્યમ પરિવારના બજેટમાં સીધો વધારો થયો છે.માત્ર લીલા શાકભાજી જ નહીં પરંતુ કઠોળના ભાવમાં પણ આકરો વધારો આવ્યો છે.
તુવેરદાળમાં 16થી 20%નો વધારો થયો
છેલ્લા એક મહિના દરમિયાન સૌથી વધુ ભાવ વધારો ચોળીમાં થયો છે તેમાં લગભગ 60% થી વધુ,બીજા નંબરે વટાણામાં 38.38% અને વાલમાં 29.11% નો ભાવ વધારો થયો છે.જ્યારે જીરૂ અને તુવેરદાળમાં 16થી 20%નો વધારો થયો છે. મગ અને એરંડાના ભાવમાં ઘટાડો થયો છે.ગૃહિણીઓને દૈનિક શાકભાજી-કઠોળ ખરીદતી વખતે ભાવનો ડંખ લાગી રહ્યો છે.નવરાત્રીના તહેવાર દરમિયાન લીંબુની માંગ વધતી હોય છે, પરંતુ આ પાંચ દિવસમાં લીંબુના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી.તા.4ના લીંબુનો ઉંચો ભાવ 20 કિલોએ રૂ.3592 હતો,જે તા.8ના રૂ.3542 નોંધાયો હતો.એટલે કે કિલોએ માત્ર રૂ.2.50નો ઘટાડો થયો છે.જો કે, વચ્ચે તા.7ના લીંબુનો ભાવ રૂ.4195 સુધી પહોંચ્યો હતો,જે માંગને કારણે ઊંચો ગયો હતો અને પાછો ઘટ્યો હતો.

