ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરવાની ભિતી સેવાઈ રહી છે. બીજી બાજુ વરસાદ હવે અટક્યો છે તેવામાં બજારમાં મળતા અખાદ્ય પદાર્થોથી લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મીઠાઈ અને ફરસાણ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં.

53 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં ચાલતી ગેરરીતિઓ અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરવામાં આવી છે.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં કુલ 53 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પરથી વાસી અને આરોગ્ય માટે નુકસાનકારક એવો મીઠાઈ, ફરસાણ, સમોસા તેમજ ચટણી સહિતનો કુલ 1226 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.જેને તાત્કાલિક અસરથી કબજે કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

4 ખાણીપીણીની દુકાનોને સ્થળ પર જ સીલ

આરોગ્ય વિભાગે સહેજ પણ ચલાવી ન લેવાની નીતિ અપનાવીને ગંભીર બેદરકારી દાખવનાર 4 ખાણીપીણીની દુકાનોને સ્થળ પર જ સીલ કરી દીધી છે.આ ઉપરાંત ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવા બદલ વિવિધ વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 42 હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.મનપાની આ કડક અને આકરી કાર્યવાહીથી શહેરના અસ્વચ્છ તેમજ વાસી ખોરાક વેચતા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી યથાવત રહેશે.

આ વાંચોઃ Ahmedabadમાં વૃદ્ધને કચડી નાખી બેફામ સ્કોર્પિયો ચાલક નબીરો ફરાર, વૃદ્ધનું કરુણ મોત