રાજકોટ શહેર ફરી એકવાર ધાર્મિક વિવાદના કારણે ચર્ચામાં આવ્યું છે. નવરાત્રીના પવિત્ર તહેવારની પૂર્વ સંધ્યાએ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટર્સને લઈને તણાવની સ્થિતિ ઊભી થઈ હતી અને શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોસ્ટર્સની જાણ થતાં જ રાજકોટ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું.
દૂધની ડેરી, ભીલવાસ સહિતના વિસ્તારોમાં લાગ્યા પોસ્ટર
પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને વિવાદાસ્પદ તમામ પોસ્ટર્સને યુદ્ધના ધોરણે દૂર કર્યા હતા. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના કારણે સંભવિત મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને શહેરની શાંતિ જળવાઈ રહી હતી. એટલું જ નહીં આ વિવાદ માત્ર રાજકોટ પૂરતો સીમિત ન રહેતા રાજ્યભરના અન્ય વિવિધ શહેરોના મુસ્લિમ વિસ્તારોમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હોવાના અહેવાલો હતા.













