સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે.રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સીધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ શરૂ કરવા માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી હિરાસર એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ઉગ્ર માગણી કરવામાં આવી રહી હતી જેનો રસ્તો થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ શરૂ કરવાના ભાગરૂપે આવતીકાલે એરપોર્ટ પર ઇમિગ્રેશન ચકાસણી હાથ ધરવામાં આવશે.
ફોરેન અફેર્સની સ્પેશિયલ ટીમ હિરાસર એરપોર્ટ ખાતે આવશે
આ પ્રક્રિયા માટે અમદાવાદથી ફોરેન અફેર્સની સ્પેશિયલ ટીમ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ઇમિગ્રેશન સેગમેન્ટની વિસ્તૃત તપાસ કરશે.એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સની કામગીરી પહેલાથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઇમિગ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ વિવિધ એરલાઇન્સ કંપનીઓ પોતાની ફ્લાઇટ શિડ્યુલ જાહેર કરીને કામગીરી શરૂ કરી શકશે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તમામ મંજૂરીઓ મળતાં જ આગામી દિવાળી પૂર્વે જ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ધમધમતી થઈ જશે.
