રાજકોટ શહેરમાં ભારે અને કોમર્શિયલ વાહનોની બેફામ ગતિ અવારનવાર નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહી છે. આજે આવી જ એક હૃદયદ્રાવક ઘટના શહેરના ભરચક ગણાતા જામ ટાવર પાસે ઘટી છે. એક ઓવરસ્પીડ કન્સ્ટ્રક્શન ક્રશર ટ્રકના ચાલકે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીને નેવે મૂકીને રોડ ક્રોસ કરી રહેલી અથવા પસાર થઈ રહેલી એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી.

જામ ટાવર પાસે હિટ એન્ડ રન

ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે મહિલાને બચવાની તક સુધ્ધાં નહોતી મળી. ટ્રકની ટક્કર વાગતા જ મહિલા રોડ પર પછડાઈ હતી અને તેના શરીર પરથી ક્રશર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ તરફડિયા મારીને મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ચાલક વાહન છોડીને ફરાર

આ અકસ્માત થતાં જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં જામ ટાવર સર્કલ પર સેંકડો લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકો કઈ એક્શન લે તે પહેલા જ ચાલક વાહન છોડીને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની અને ફરાર ક્રશર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: 30 હજાર પોલીસ જવાનોના લોખંડી સુરક્ષા છત્ર વચ્ચે નગરચર્યાએ નીકળ્યા નાથ