રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દબાણો હટાવવા માટે જે જેસીબી, બ્રેકર અને મજૂરોનો ઉપયોગ કરાયો હતો, તેના ખર્ચના બિલમાં કરોડો રૂપિયાનું આંધણ બતાવાયું હોવાના આક્ષેપો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વહેતા થયા છે. વિપક્ષ અને સામાન્ય જનતા દ્વારા મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, જેના પર આજે રાજકોટના મેયર નેહલ શુક્લએ મૌન તોડ્યું છે અને પત્રકાર પરિષદમાં મનપાનો પક્ષ રજૂ કર્યો છે.


કમિશનરના રીપોર્ટ પર નજર, કમિટી રચવા આદેશ

મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ આ મુદ્દાને લઈને અત્યંત ગંભીર છે. આ જ કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ વિવાદાસ્પદ બિલને મંજૂરી આપવાના બદલે હાલ પૂરતું 'પેન્ડિંગ' (સ્થગિત) રાખવામાં આવ્યું છે. સમગ્ર મામલાની સત્યતા જાણવા માટે મ્યુનિસિપલ કમિશનર પાસેથી જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચની એક-એક વિગત અને કાગળો મંગાવવામાં આવ્યા છે. કમિશનરને આ બાબતે સ્પેશિયલ તપાસ કમિટી રચવાની સંપૂર્ણ સત્તા પણ સોંપી દેવાઈ છે.

નૈતિકતા અને ઈમાનદારીની ખાતરી

વિપક્ષી આક્ષેપોનો જવાબ આપતા મેયરે ઉમેર્યું કે, બજારમાં વહેતી થતી દરેક અફવા કે આરોપોને સીધા સાચા માની શકાય નહીં. અમે પક્ષની નૈતિકતા અને વિચારધારા મુજબ ચાલીએ છીએ. અમારી વર્તમાન બોડીની સત્તા આવી તે પહેલાની આ ઘટના છે, છતાં અમારી સત્તા છે ત્યાં સુધી અમે ઈમાનદારીથી જ કામ કરીશું. આ સમગ્ર કૌભાંડ છે કે કેમ, તે કમિશનરના તપાસ અહેવાલ બાદ જ સત્તાવાર રીતે સામે આવશે. જો અહેવાલમાં કોઈ એજન્સી કે અધિકારી દોષિત જણાશે અથવા નિયમ બહારના નાણાં ચૂકવાયાનું સાબિત થશે, તો મનપા કાયદેસરની કડક કાર્યવાહી કરીને નાણાંની વસૂલાત કરશે.

આ પણ વાંચો: Ankleshwar: ખાડીમાંથી મળેલી મૃતદેહનો ભેદ ખૂલ્યો, લૂંટના ઇરાદે મર્ડર કરનાર ભરૂચનો રીઢો તસ્કર પોલીસ સકંજામાં

  • Follow us on: