સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ રેસકોર્સ મેદાન ખાતે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. પવિત્ર શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને આ વર્ષે 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસ માટે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં જન્માષ્ટમીના ભવ્ય લોકમેળાનો ધમધમાટ
મેદાન ખાતે નાના-મોટા ચગડોળ, અવનવી હાઇટેક રાઈડ્સ, ખાદ્યસામગ્રીના સ્ટોલ્સ, રમકડાંની દુકાનો અને સરકારી પ્રદર્શન મંડપો ઊભા કરવાનું કામ આખરી તબક્કામાં પહોંચી રહ્યું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે વોચ ટાવર્સ અને મુખ્ય કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.આ વખતે જિલ્લા વહીવટી તંત્ર અને મેળાઓની સમિતિ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક અને હાઇટેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં સર્જાતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કેમેરા સિસ્ટમ અને હવામાંથી સતત વોચ રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
