સુરત જિલ્લાના બારડોલીમાં વર્ષ 2016માં બનેલા ચર્ચાસ્પદ હનીટ્રેપ અને લૂંટના બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. આ કેસમાં ગંભીર ગુનો આચરી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રવીણ રમેશભાઈ રાઠોડ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે.
બારડોલીના હનીટ્રેપ અને લૂંટ કેસમાં સફળતા
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2016માં આરોપીઓએ એક મહિલા મારફતે ફરિયાદીને ફોન કરાવી પ્રેમજાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને બારડોલી વિસ્તારના એક સીમ-ખેતરાડીમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં આરોપી પ્રવીણ રાઠોડ અને તેના સાગરીતોએ ત્રાટકીને પોતાની ઓળખ 'પોલીસ' તરીકે આપી હતી.નકલી પોલીસ બનેલા આરોપીઓએ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કેસમાંથી બચાવવાના બદલામાં રૂ. 5 લાખની કડક ઉઘરાણી કરી હતી. જ્યારે ફરિયાદીએ આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવી, ત્યારે આરોપીઓએ તેમની સાથે મારપીટ કરી તેમની પાસે રહેલા રોકડા રૂ. 5,000 તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
