સૌરાષ્ટ્ર અને રાજકોટના તહેવારોની ઓળખ સમાન જન્માષ્ટમીના લોકમેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેલૈયાઓ અને વેપારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે યોજાનારા વાર્ષિક જન્માષ્ટમી લોકમેળાની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મેળામાં સ્ટોલ મેળવવા ઈચ્છતા નાના-મોટા વેપારીઓ માટે આજથી સત્તાવાર રીતે નિયત કેન્દ્રો પરથી ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જન્માષ્ટમીના લોકમેળાની આતુરતાપૂર્વક રાહ 

ફોર્મ વિતરણ શરૂ થતાં જ મેળો કમિટીની ઓફિસ અને બેંક કાઉન્ટરો પર વેપારીઓની ભીડ જોવા મળી હતી. વિતરણના પ્રથમ દિવસે જ કલેક્ટર તંત્રના ચોપડે 86 જેટલા ફોર્મ ઉપડી ગયા હતા, જે દર્શાવે છે કે આ વર્ષે લોકમેળામાં વેપાર-ધંધાને લઈને સ્ટોલ ધારકોમાં ભારે ક્રેઝ અને ઉત્સાહ છે.

રમકડાં અને ખાણીપીણીના શોખીનો માટે વિશેષ આયોજન

રાજકોટનો લોકમેળો એટલે માત્ર ચકરડી અને ચકડોળ નહીં પરંતુ ખાણીપીણી અને ખરીદીનો મોટો ઉત્સવ. આ વર્ષે તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે ૧૦૦ રમકડાના સ્ટોલ અને 48 ચટાકેદાર ખાણીપીણીના સ્ટોલ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યાંત્રિક રાઇડ્સ, પ્લોટ અને અન્ય હસ્તકળાના સ્ટોલ માટે પણ આગામી દિવસોમાં ડ્રો અને હરાજીની પ્રક્રિયા કાયદાકીય રીતે પૂર્ણ કરવામાં આવશે.

જન્માષ્ટમીનો લોકમેળો 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો 2 સપ્ટેમ્બરથી શરૂ થઈને 6 સપ્ટેમ્બર સુધી એટલે કે સતત પાંચ દિવસ સુધી ધામધૂમથી યોજાશે. મેળામાં કરોડો રૂપિયાના વેપાર સાથે લાખોની મેદની ઉમટી પડતી હોવાથી કલેક્ટર તંત્ર દ્વારા અત્યારથી જ પબ્લિક સિક્યુરિટી, સીસીટીવી કેમેરા, ઈમરજન્સી મેડિકલ સુવિધા, ફાયર એનઓસી અને ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થાઓ ગોઠવવાનું કામ શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં ફોર્મ જમા થયા બાદ સ્ટોલ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાશે, જેથી મેળો સમયસર અને ભવ્ય રીતે શરૂ કરી શકાય.

આ પણ વાંચો: Ahmedabad: રોજકા ગામ નજીક કાર પલટી જતાં 5 મુસાફરો ગંભીર રીતે ઘવાયા