જસદણની ચકચારી આલ્ફા સંકુલ હોસ્ટેલમાં ચિકનપોક્સના કારણે માસૂમ વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના શંકાસ્પદ મોતના મામલે તપાસ કરી રહેલી પોલીસ અને શિક્ષણ વિભાગના હાથે એક અત્યંત ચોંકાવનારો અને દેશવ્યાપી કહી શકાય તેવો સ્કેમ લાગ્યો છે. વિદ્યાર્થિનીના મોતની તપાસ દરમિયાન આલ્ફા સંકુલમાં ચાલી રહેલા બહુમોટા ‘ડમી સ્કૂલિંગ રેકેટ’ નો ભાંડો ફૂટી ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી ના પ્રાથમિક રિપોર્ટ બાદ આ સમગ્ર મામલો હવે ગાંધીનગર શિક્ષણ વિભાગના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.
આખું ડમી નેટવર્ક ધમધમી રહ્યું હતું
મળતી વિગતો અનુસાર, નવોદય અને સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને અહીં આખું ડમી નેટવર્ક ધમધમી રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી અન્ય શાળાઓમાં પુરાતી હતી, જ્યારે તેઓ પ્રત્યક્ષ રીતે જસદણના આલ્ફા સંકુલમાં રહીને અભ્યાસ કરતા હતા.
કુલ 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરતા હતા
તપાસમાં બહાર આવ્યું છે કે, રાજ્યના 31 શહેરોની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને અસંખ્ય શાળાઓના કુલ 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરી રહ્યા હતા. જેમાં માત્ર રાજકોટ જિલ્લાની જ ૩૦ થી વધુ શાળાઓ સીધી રીતે આલ્ફા કોચિંગના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે.
https://youtu.be/0Fg1uJdLx-I
અગાઉ આલ્ફા સંકુલના બે ટ્રસ્ટીઓની અટકાયત કરાઇ હતી
આ કૌભાંડમાં શાળાઓની સાથે-સાથે વાલીઓ પણ ગોલમાલના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. આયુષીના મોતમાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ અગાઉ આલ્ફા સંકુલના બે ટ્રસ્ટીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રે કડક કાર્યવાહી કરીને આ સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે તાળા મારી દીધા છે.
30 થી વધુ શાળાઓ સામે કડક કાર્યવાહી થઇ શકે
શિક્ષણ વિભાગે તમામ 697 ડમી વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મુખ્ય મથકે મોકલી આપી છે. આ રેકેટમાં સંડોવાયેલી તમામ 30 થી વધુ શાળાઓના લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી તોળાઈ રહી છે. આ ઘટનાએ ગુજરાતના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!