જેતપુરના બોરડી સમઢીયાળા નજીક આવેલા રણુંજા મંદિરના ગાદીપતિ મહંત કરશનદાસ બાપુના આપઘાતના સમાચારથી સમગ્ર રાજકોટ જિલ્લા સહિત સાધુ-સંતોના સમાજમાં ભારે આઘાત છવાયો છે. રણુંજા મંદિર પંથકના હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને કરશનદાસ બાપુ લાંબા સમયથી અહીં ગાદી સંભાળી ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવતા હતા.


વાડીના કૂવામાંથી મળ્યો મૃતદેહ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે કરશનદાસ બાપુ મંદિરમાં જોવા ન મળતા આસપાસના સેવકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન મંદિરની બિલકુલ સામે આવેલી વાડીના કૂવામાં જોતા બાપુનો મૃતદેહ પાણીમાં તરતો હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને સેવકો અને સ્થાનિક ખેડૂતોના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી ખૂબ જ જહેમત બાદ પૂજ્ય બાપુના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ વધારી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કરશનદાસ બાપુ છેલ્લા ઘણા સમયથી કોઈ ગંભીર શારીરિક બીમારીથી પીડાતા હતા. સતત સારવાર છતાં બીમારીમાં રાહત ન મળતી હોવાથી તેઓ માનસિક રીતે પણ પરેશાન રહેતા હતા, જેના કારણે કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પ્રબળ આશંકા છે. જોકે, જેતપુર તાલુકા પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેઓ તમામ પાસાઓ પર તપાસ કરી રહ્યા છે. મહંત કરશનદાસ બાપુના આપઘાત પાછળ માત્ર બીમારી જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે પોસ્ટમોર્ટમ (PM) નો વિગતવાર અહેવાલ આવ્યા બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે. હાલમાં બાપુના પાર્થિવ દેહના પીએમ બાદ તેમના અંતિમ સંસ્કારની વિધિ રણુંજા મંદિર ખાતે કરવામાં આવશે.

આ પણ વાંચો: Banaskantha: આંતરરાજ્ય વાહનચોર ગેંગના 4 શાતિર આરોપીઓ હથિયારો સાથે ઝડપાયા, 8 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: