રાજકોટ શહેરમાં નશામાં ધૂત વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે જંકશન મેઈન રોડ પર હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. ઉત્તરાખંડથી રાજકોટના પડધરી વિસ્તારમાં પોતાના મિત્રને મળવા આવેલા એક યુવકે પોતાની પૂરપાટ ઝડપે દોડતી સ્કોડા કારથી રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનોને હડફેટે લીધા હતા.

રાજકોટમાં નશાખોર સ્કોડા કાર ચાલકે સર્જ્યો અકસ્માત

અકસ્માત સમયે નાઇટ પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ કોન્સ્ટેબલની સરકારી બાઇકને આ સ્કોડા કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર ચાલક બાઇકને આશરે 200 મીટર સુધી રસ્તા પર ઢસડી ગયો હતો, જેમાં બાઇક પર સવાર બંને પોલીસ કોન્સ્ટેબલ ફંગોળાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા.

પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ કોન્સ્ટેબલને ઉડાવ્યા

કાર ચાલક ભારે નશાની હાલતમાં હોવાની ચર્ચા વચ્ચે ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોએ હિંમત દર્શાવી કાર ચાલકની કારાસ્તાની રોકી તેને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. બનાવની જાણ થતાં જ પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર કબજે લઈ આરોપી કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સાયણ સુગર ફેક્ટરીનો દેશભરમાં ડંકો; નાણાકીય શિસ્ત માટે મળ્યો નેશનલ એવોર્ડ, સભાસદોમાં ખુશીનો માહોલ