રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું એક સ્નેહમિલન સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જસદણ વિધાનસભા બેઠકને લઈને એવું નિવેદન આપ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા ફરીથી મંત્રી બનશે.જોકે,તેમના આ નિવેદન સામે કોળી સમાજના જ આગેવાન પ્રવીણભાઈ કોળીએ જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા.આ સ્નેહમિલન સમારોહમાં કચ્છ અને સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોળી સમાજના આગેવાને ઉઠાવ્યા સવાલ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમાજના વિવિધ પ્રશ્નો અને સંગઠન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મંચ પર ઉપસ્થિત પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જસદણ બેઠકને લઈને ખુલ્લું અને મહત્વનું નિવેદન આપ્યું હતું.ફતેપરાએ પોતાના વક્તવ્યમાં દાવો કરતા જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા ફરી એકવાર મંત્રી બનશે.તેમના આ નિવેદનથી સમગ્ર સ્નેહમિલનમાં હાજર રહેલા આગેવાનો અને લોકોનું ધ્યાન સીધું જસદણ વિધાનસભા બેઠકના ભાવિ રાજકીય સમીકરણો તરફ ખેંચાયું હતું.દેવજીભાઈ ફતેપરાની આ વાત સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ કોળીએ ખુલ્લેઆમ વાંધો ઉઠાવીને ગંભીર સવાલો કર્યા હતા.

સીધો વિરોધ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા 

પ્રવીણભાઈ કોળીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોણ લડશે અને આગળ જતાં કોણ બનશે તે તમામ બાબતો માત્ર કોળી સમાજ જ નક્કી કરશે.તેમણે ઉમેર્યું હતું કે રાજકારણમાં હવે યુવાઓને પૂરતું પ્રાધાન્ય મળવું જોઈએ અને યુવાઓને ટિકિટ મળવી જોઈએ તેવી સ્પષ્ટ માગ કરી હતી.કુંવરજીભાઈ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય,તે અંગેનો અંતિમ નિર્ણય સમગ્ર કોળી સમાજ અને તમામ લોકોએ સાથે મળીને કરવાનો હોય છે.કોઈ એક વ્યક્તિ દ્વારા મંત્રી પદ કે ઉમેદવારી નક્કી કરી શકાય નહીં.આમ,આ સ્નેહમિલનમાં જ ટિકિટ અને ભાવી નેતૃત્વ અંગે સીધો વિરોધ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ Bharuch News: આ કોઈ સફેદ પ્લાસ્ટિક નથી પણ દરિયાઈ જળચર જીવ જેલી ફિશ છે, સહેલાણીઓમાં આકર્ષણ જાગ્યું