રાજકોટ શહેરમાં બેફામ વાહન ચલાવતા ચાલકોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના કુવાડવા રોડ પર હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ (D-Mart) પાસે એક બેદરકાર કારચાલકે કિશોરને અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

રાજકોટ શહેરમાં વાહન ચાલકોનો ત્રાસ

મળતી વિગતો અનુસાર, કુવાડવા રોડ પર ડી-માર્ટ નજીકથી પસાર થઈ રહેલા એક કિશોરને પૂરપાટ ઝડપે આવતા કારચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સામે આવ્યા છે.

CCTVના આધારે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સામે આવેલા CCTV ફૂટેજ કબજે કરીને કારના નંબર અને ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા કારચાલકને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Junagadh: ગિરનાર પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો; સાધુ-સંતોએ પણ ઓછી ભીડ હોવાનું સ્વીકાર્યું