દેશમાં બેફામ પણે મોંઘવારી વધી રહી છે. શાકભાજી અને જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેરમાં લિંબુના ભાવમાં અચાનક મોટો વધારો સામે આવ્યો છે. હાલ રાજકોટમાં છૂટક બજારમાં લીંબુનો ભાવ વધીને સીધો એક કિલોના 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં લીંબુના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં લીંબુના ભાવ ઘટતા હોય છે અને તે લોકોની પહોંચમાં સસ્તા થતા હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝનમાં જ લીંબુના ભાવ એકાએક આસમાને પહોંચી જતા સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે.

ગૃહિણીઓ શાકભાજીના ભાવથી પણ પરેશાન

ગૃહગૃહસ્થીઓ અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે લીંબુની આ મોંઘવારી ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે.અગાઉના સમયની વાત કરવામાં આવે તો જ્યારે પણ માવઠા, કમોસમી વરસાદ અથવા વાવાઝોડા જેવી પ્રાકૃતિક વિપત્તિઓ આવી છે ત્યારે બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થવાને લીધે લીંબુના ભાવમાં અગાઉ પણ અનેકવાર અધધ વધારો જોવા મળ્યો છે.અગાઉની સિઝનોમાં પણ ઉનાળા કે ચોમાસાની શરૂઆતમાં પુરવઠો ડામાડોળ થયો છે ત્યારે છૂટક બજારમાં લીંબુ અગાઉ 80થી 120 રૂપિયાના ભાવે પ્રતિ કિલો સુધી વેચાતા હતા પરંતુ આ વખતે સીધા 200 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી જતાં અગાઉના તમામ ભાવવધારાના રેકોર્ડ તૂટ્યા હોય તેવું પ્રતીત થાય છે. 

સ્થાનિક વેપારીઓ પાસે માલની આવક ઘટી

શાકભાજીની થાળીમાં સ્વાદ અને વિટામિન સીનો મુખ્ય સ્રોત ગણાતા લીંબુના ભાવ વધવા પાછળ બજારના જાણકારોના મતે સ્થાનિક આવકમાં ઘટાડો અને સપ્લાય ચેઈનમાં સર્જાયેલી અસમતુલા મુખ્ય કારણ છે.રાજ્યની કૃષિ સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં કુલ મળીને આશરે 6 લાખ ટન જેટલું માતબર લીંબુનું ઉત્પાદન થાય છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજ્યના જુદા-જુદા કૃષિ વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પાયે થતી હોવા છતાંવર્તમાન સમયમાં બજારમાં જે રીતે સ્થાનિક વેપારીઓ પાસે માલની આવક ઘટી છે તેના કારણે ભાવ બેકાબૂ બન્યા છે. 

આ પણ વાંચોઃ Rajkot News:લ્યો બોલો મનપાના નગરસેવકોને મોંઘવારી નડી! પગારમાં વધારો કરવા માંગ કરી