રાજકોટના પ્રવેશદ્વાર સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતી માધાપર ચોકડી પાસે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ઉદય વાઘેલા નામના નાગરિક જ્યારે પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન રેતી ભરેલા એક તોતિંગ ટ્રેલરના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે દોડાવી ઉદયભાઈને અડફેટે લીધા હતા. ટ્રેલરના વ્હીલ નીચે આવી જતાં ઉદય વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

માધાપર ચોકડી પાસે અકસ્માત 

અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરે ટ્રેલર ચાલક વાહન રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના સ્વજનનું કરુણ મોત જોઈને પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ માધાપર ચોકડી પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

પોલીસ અને આક્રોશિત પરિવાર વચ્ચે ઘર્ષણ

જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિવારે ન્યાય અને ચાલકની તાત્કાલિક ધરપકડની માંગ સાથે મૃતદેહ ઉપાડવા દીધો ન હતો. આ દરમિયાન પોલીસ અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.અંતે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની લાંબી સમજાવટ અને કાયદેસરની કડક કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ પરિવાર શાંત પડ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા સંમતિ આપી હતી. પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: રાણીપમાં મોડી રાત્રે લોહીયાળ જંગ, 8 થી 10 લોકોના હિંસક ટોળાએ યુવકને જાહેરમાં નિર્દયતાથી ફટકાર્યો