રાજકોટ-મોરબી રોડ પર એક અત્યંત દ્રાવક અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા ગામ પાસે પૂરઝડપે દોડી આવતા એક બેકાબૂ ટ્રકે રસ્તા પર પાર્ક કરેલી રિક્ષા અને કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. સમગ્ર અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે નિર્દોષ લોકોના મોત, ઉર્ષમાં જતી વેળાએ જિંદગી છીનવાઈ
આ ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજીતશાહ જીલુશાહ શાહમદાર અને માધાપર ચોકડી પાસે રહેતા 20 વર્ષીય કાના હુંબલનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અજીતશાહ શાહમદાર પોતાના પુત્ર સાથે મોરબી ખાતે ઉર્ષમાં જવા માટે નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ રસ્તામાં જ આઘાતજનક દુર્ઘટના ઘટી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.


