રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલા ખર્ચના બિલ પર વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈને કૌંભાંડની તપાસ કરવા માટે RMC દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. હવે આ તપાસનો રીપોર્ટ તૈયાર થઈ ગયો હોવા છતાં કાર્યવાહી નહીં થતાં સવાલો ઉભા થયાં છે. આ દરમિયાન મનપા કમિશનર તુષાર સુમેરા અચાનક રજા પર ઉતરી જતાં સમગ્ર બાબત વધુ ચર્ચાસ્પદ બની છે. મનપાના કમિશ્નરનો વધારાનો ચાર્જ રાજકોટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે.
તુષાર સુમેરા 10 દિવસની રજા ઉપર ઉતર્યા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા 10 દિવસની રજા ઉપર ઉતર્યા છે.તેમના સ્થાને રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશને હંગામી ધોરણે મનપા કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.કલેક્ટર ઓમ પ્રકાશ હવે મનપાના કમિશનર તરીકે હંગામી જવાબદારી સંભાળશે. એક તરફ મનપામાં વહીવટી કામગીરી ચાલી રહી છે.ત્યારે કમિશનરની આ રજાથી વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.ખાસ કરીને વર્તમાન સંજોગોમાં કમિશનરનું રજા પર જવું ભારે ચર્ચાનો વિષય બન્યું છે. રાજકોટમાં હાલ જંગલેશ્વર બિલમાં થયેલા ભ્રષ્ટાચારનો મામલો અત્યંત ગરમાયો છે.આ સમગ્ર પ્રકરણમાં તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે.દિવાળી પહેલાં જ આ રિપોર્ટ તૈયાર થયો હતો. હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
