રાજકોટ સ્માર્ટ સિટીના પથ પર વધુ એક કદમ આગળ વધી રહ્યું છે. શહેરના અત્યંત વ્યસ્ત અને લાંબા સમયથી બ્રિજના પુનઃનિર્માણની માંગણી કરતા જામનગર રોડ અને આસપાસના વિસ્તારના લોકો માટે આખરે ખુશીના સમાચાર આવ્યા છે. જૂના જર્જરિત ઓવરબ્રિજને તોડીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલા નવા સાંઢિયા બ્રિજનું આવતીકાલે સત્તાવાર લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ બ્રિજ શરૂ થવાથી શહેરના એક મોટા હિસ્સાને પીક અવર્સ દરમિયાન થતા ચક્કાજામમાંથી કાયમી મુક્તિ મળશે.
ડ્રોન વીડિયોમાં દેખાયો અદ્ભુત નજારો
બ્રિજના લોકાર્પણને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી બ્રિજનો એક શાનદાર ડ્રોન વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ આકાશી નજારામાં જોઈ શકાય છે કે આખો સાંઢિયા બ્રિજ અત્યંત આધુનિક અને આકર્ષક રોશનીથી ઝગમગી ઉઠ્યો છે. બ્રિજની બંને બાજુએ કરવામાં આવેલી આ કલરફુલ થીમ લાઇટિંગ રાત્રિના સમયે વાહનચાલકો અને રાજકોટવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે.










