જો તમે આજે બજારમાં માત્ર મોબાઈલ લઈને ખરીદી કરવા નીકળવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન! આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરના વેપારીઓએ એકસૂરે ‘NO UPI DAY’ની જાહેરાત કરીને ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનો સંપૂર્ણ ઇનકાર કરી દીધો છે. સવારથી જ રાજકોટ શહેરના મુખ્ય બજારોમાં આ આંદોલનની વ્યાપક અને સીધી અસર જોવા મળી રહી છે, જેના કારણે રોકડ વગર ખરીદી કરવા નીકળેલા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનો સંપૂર્ણ ઇનકાર
https://x.com/sandeshnews/status/2105900446837825699/video/1
QR કોડ પર કાળું કપડું ઢાંકીને અનોખો વિરોધ
રાજકોટના ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, પરાબજાર, સોની બજાર સહિતના તમામ મુખ્ય વ્યાપારી કેન્દ્રોમાં વેપારીઓએ પોતાની દુકાનો પર લગાવેલા પેમેન્ટ ક્યૂઆર કોડ (QR Code) સ્કેનર પર કાળું કપડું ઢાંકીને વિરોધ નોંધાવ્યો છે. દુકાનો બહાર બોર્ડ મારી દેવાયા છે કે "આજે કોઈપણ પ્રકારનું UPI પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં." વેપારીઓ પર ઝીંકાઈ રહેલા ચાર્જિસ અને અન્ય ટેકનિકલ સમસ્યાઓ સામે વેપારી વર્ગમાં પ્રવર્તતો આક્રોશ આજે રસ્તા પર જોવા મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સનું ખુલ્લું સમર્થન
આ વિરોધ પ્રદર્શનને સ્થાનિક વેપારી મંડળોની સાથે-સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં બજારમાં કુલ ખરીદીના અંદાજે 60 થી 70 ટકા જેટલા વ્યવહારો માત્ર UPI દ્વારા થતા હોય છે.આજે અચાનક તમામ વેપારીઓએ ઓનલાઇન પેમેન્ટ લેવાનું બંધ કરી દેતાં બજારમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સરકાર અને બેંકો વેપારીઓના હિતને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી આ પ્રકારના વિરોધ કાર્યક્રમો આગળ પણ ચાલુ રહી શકે છે.
આ પણ વાંચો: Amreli: અરજણસુખમાં એક પછી એક 4 લોકો પર સિંહણે હુમલો કર્યો, ગામમાં ભારે ફફડાટ!