રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહિસર ગામે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાતમ-આઠમની રજાઓ માણવા માટે મામાના ઘરે રોકાવા આવેલા ભાણેજ સહિત 4 માસૂમ બાળકોના ચેકડેમમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. તહેવારના માહોલ વચ્ચે સર્જાયેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર દહિસર ગામ અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

એક પછી એક બાળક ઊંડા પાણીમાં ગરકાવ થયા

ઘટનાની મળતી માહિતી અનુસાર, દહિસર ગામે આવેલા ચેકડેમ નજીક ચારેય મિત્રો રમતાં રમતાં ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન પાણીના ઊંડાણનો ખ્યાલ ન રહેતાં એક પછી એક ચારેય બાળકો ડૂબવા લાગ્યા હતા. બાળકોને ડૂબતા જોઈ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્ર તથા રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી.

Rajkot News: Drowning Tragedy: 4 Children Drown to Death in Check Dam at Paddhari

8 કલાકની આકરી જહેમત બાદ ચોથો મૃતદેહ બહાર કઢાયો

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ચેકડેમમાં શોધખોળ હાથ ધરી હતી. વહેલી સવારથી શરૂ થયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 3 બાળકોના મૃતદેહ વહેલી તકે મળી આવ્યા હતા, જ્યારે 8 કલાકની ભારે જહેમત બાદ ચોથા બાળકનો મૃતદેહ પણ શોધી કાઢવામાં આવ્યો હતો. તમામ મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમ અર્થે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Rajkot News: Drowning Tragedy: 4 Children Drown to Death in Check Dam at Paddhari

મૃતક માસૂમ બાળકો

આ કરૂણ હોનારતમાં જીવ ગુમાવનારા ચારેય બાળકોની ઉંમર 12 થી 14 વર્ષની આસપાસ હોવાનું સામે આવ્યું છે.

  • વંશીત વિજયભાઈ ખંભાયતા (ઉંમર વર્ષ 12)
  • દીપ ગંગારામભાઈ રાજપરા (ઉંમર વર્ષ 14)
  • વાસુ યોગેશભાઈ સવસાણી
  • ધ્યેય મનીષભાઈ ધમસાણીયા (ઉંમર વર્ષ 14)

https://twitter.com/sandeshnews/status/2096430520590840293

તહેવારના ખુશીના દિવસોમાં જ 4-4 માસૂમ બાળકોના અકાળે અવસાન થતાં દહિસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો: Rajkotના મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડ્યા