રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત તબીબોની ગંભીર બેદરકારીને કારણે વિવાદમાં સપડાઈ છે.હોસ્પિટલના સર્જીકલ વિભાગમાં ગાંઠના ઓપરેશન માટે દાખલ થયેલા દિલીપ બારોટ નામના દર્દીની છાતીના ભાગે ચેકો મારી તાર નાખ્યા બાદ તેને બહાર કાઢવાને બદલે અંદર જ રાખી દેવામાં આવ્યો હતો.આ ગંભીર બેદરકારીના કારણે દર્દી અતિ નાજુક હાલતમાં મુકાતાં આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

તાર સાથે જ માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવાયું હોવાનો આક્ષેપ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દી દિલીપ બારોટને ગાંઠનું ઓપરેશન કરવાનું હતું.પરંતુ સર્જરી દરમિયાન તબીબોએ દર્દીની છાતીના ભાગે ચેકો મૂકીને અંદર તાર દાખલ કર્યો હતો.નિયમ મુજબ આ તાર બહાર કાઢવાનો હોય છે પરંતુ તેને બહાર કાઢવાને બદલે અંદર જ છોડી દેવાયો હતો.છાતીના ભાગે ચેકો માર્યા બાદ ટાંકા પણ લેવામાં આવ્યા ન હતા અને તાર સાથે જ માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવાયું હતું.હાલ દર્દી સિવિલ હોસ્પિટલના સર્જીકલ વિભાગમાં સારવાર હેઠળ છે અને તે સતત છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી રહ્યો છે.આ ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના તબીબોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે કે શું જે તબીબોએ સર્જરી નહોતી કરવાની તેમણે આ ઓપરેશન પાર પાડ્યું હતું? છાતીમાં તાર રહી ગયો તે અંગે કોઈ ઉપરી તબીબને જાણ કરવામાં આવી હતી કે નહીં? દર્દીના જીવને કંઈ થઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે? તેવા પ્રશ્નો પરિવારે ઉઠાવ્યા છે.

સિવિલ અધિક્ષકે પણ ગોળ ગોળ જવાબો આપ્યા હતાં

બીજી તરફ સમગ્ર મામલે સિવિલ અધિક્ષક ડો.કમલ ડોડીયાએ સંતોષકારક ખુલાસો કરવાને બદલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.કયા ડોક્ટરે ઓપરેશનની શરૂઆત કરી તેનું નામ પણ અધિક્ષકે જાહેર કર્યું ન હતું.આ ઘટના બેદરકારી છે કે ઓપરેશનની પ્રક્રિયાનો ભાગ તે અંગે તપાસ કરવામાં આવશે તેવો તેમણે દાવો કર્યો હતો.છાતીમાં તાર ઘૂસી ગયો તે દર્દીના સગા કહે છે પરંતુ સાચું શું છે તે તપાસનો વિષય હોવાનું કહી અધિક્ષક પોતાના સ્ટાફને છાવરતા હોવાનું જણાયું હતું.તેમણે દર્દીને હાલ પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવાની ખાતરી આપી છે.પરિવારના મોભી ગણાતા દર્દીને ખોટી સારવાર આપી મોતના મુખમાં ધકેલી દેવાયાનો આક્ષેપ સગાંઓએ કર્યો છે.પતિની આવી ગંભીર હાલત જોઈ આઘાતમાં આવી ગયેલી પત્નીએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સિવિલના ઈમર્જન્સી વિભાગમાં દાખલ કરાઈ છે. પરિવારે તાત્કાલિક યોગ્ય સારવાર અને બેદરકાર સ્ટાફ સામે ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabadમાં NCBના સકંજામાં આવેલા હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર! વધુ પૂછપરછનો ધમધમાટ શરૂ