સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજળીનો વપરાશ કરતા તમામ નાગરિકો માટે આર્થિક મોરચે વધુ એક મોટો ફટકો પડ્યો છે. સામાન્ય જનતા પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે હવે વીજ કંપની દ્વારા લેવાયેલા નિર્ણયથી સામાન્ય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ વીજ બિલમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો વધારો અમલી બનાવી દેવામાં આવ્યો છે. અંદાજે 1.76 કરોડ વીજ ગ્રાહકો આ મોંઘવારીના માર હેઠળ આવી ગયા છે. સામાન્ય ગ્રાહકો માટે દરેક યુનિટ દીઠ ચૂકવવાની રકમમાં થયેલો આ વધારો હવે ઘરખર્ચમાં સીધો વધારો કરશે.
સામાન્ય પરિવારના બિલની રકમ અચાનક ઊંચી જશે
નાના વેપારીઓ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે વીજળી પાછળ થતો નિયમિત ખર્ચ વધુ બોજારૂપ બનશે.વીજ દરોમાં કરાયેલા આ વધારાથી સામાન્ય નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીજ બિલમાં માત્ર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો જ નથી ઝીંકાયો પરંતુ અન્ય ચાર્જિસમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા કુલ 5 પ્રકારના જુદા જુદા ચાર્જ પર 3.99 ટકા લેખે એરિયર્સની વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે.આ નિર્ણયને પગલે આગામી દિવસોમાં વીજ બિલની આખરી રકમમાં ખાસ્સો ઉછાળો જોવા મળશે. એરિયર્સની આ નવી અમલવારીના કારણે ગ્રાહકોને અગાઉના વીજ વપરાશ પેટે પણ વધારાના નાણાં ચૂકવવા પડશે, જેના પરિણામે સામાન્ય પરિવારના બિલની રકમ અચાનક ઊંચી જશે.
