રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. શહેરના મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન દર્દનાક મોત નીપજતાં પોલીસ બેડામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલો હિટ એન્ડ રનનો હોવાનું સામે આવ્યું છે.

એક્ટિવા ચાલક પોલીસ કર્મીનું મોત

મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા 24 વર્ષીય યુવાન પોલીસ કર્મચારી કેયુર રામાણી પોતાના એક્ટિવા મોપેડ પર સવાર થઈને મવડી હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક રિક્ષા ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

રિક્ષા ચાલક ફરાર થઈ જતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કેયુર રામાણીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં બેફામ ગતિએ વાહનો હંકારતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.  

આ પણ વાંચોઃ Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ