રાજકોટના રાજમાર્ગો પર નબીરાઓ જાણે બેફામ બન્યા હોય તેમ ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતી વધુ એક સ્પીડ એક્સિડન્ટની ઘટના રૈયા રોડ પર પ્રકાશમાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રૈયા રોડ પરથી એક સફેદ કલરની વર્ના કાર અત્યંત હાઈસ્પીડમાં એટલે કે 100 થી વધુની ઝડપે ધસી આવી રહી હતી. રસ્તા પર સ્પીડબ્રેકર હોવા છતાં કાર ચાલકે બ્રેક મારવાને બદલે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર સ્પીડબ્રેકર સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ હતી અને આગળ જતા વાહનો પર કાળ બનીને ત્રાટકી હતી.


ભાગવા જતાં લોકોએ ઘેર્યો, સગીર હોવાનો ખુલાસો

આ કાળમુખી કારે રસ્તા પર શિસ્તબદ્ધ રીતે જતા એક સ્કૂટર ચાલક સહિત અન્ય 2 થી 3 વાહનોને જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂટરના ફુરચા ઉડી ગયા હતા અને તેના ચાલકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ રોડ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે માનવતા દાખવવાને બદલે કાર ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આસપાસના સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓના મોટા ટોળાએ તાત્કાલિક દોડી જઈ કારને આંતરી લીધી હતી અને અંદર બેઠેલા નબીરાને બહાર ખેંચ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું છે કે કાર ચલાવનાર સગીર વયનો છે અને તેની પાસે કોઈ વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું.

પોલીસ તંત્ર સામે ઉઠતા સવાલો

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગંભીર રીતે ઘવાયેલા સ્કૂટર ચાલકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. શહેરમાં દિવસેને દિવસે સગીર વયના નબીરાઓ દ્વારા વાહનો દોડાવીને અકસ્માત કરવાના કિસ્સા વધી રહ્યા છે, જેને પગલે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ વર્ના કાર કબ્જે કરી છે અને સગીરના માતા-પિતા સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Patan: બસ પોર્ટની BU પરમિશન મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હિરલ ઠાકર વચ્ચે આરપારની જંગ

  • Follow us on: