રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે એક મોટું જમીન કૌભાંડ સપાટી પર આવ્યું છે. રાજકોટના લોધિકા તાલુકામાં ભાજપના જ દિગ્ગજ નેતાઓ દ્વારા સરકારી અને ગૌચર જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવીને ભાજપના નેતાઓના આ જમીન દબાણ પર બ્રેક મારી દીધી છે.
37 વીઘા સરકારી અને ગૌચર જમીન મુક્ત કરાઈ
લોધિકા ગ્રામ પંચાયત દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ સરકારી ખરાબાની અને ગૌચરની જમીનમાં કૌભાંડ આચરીને સત્તાના જોરે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ની કચેરીમાંથી ખોટી માપણી સીટ બેસાડી દીધી હતી. જો કે, કલેક્ટરે તાત્કાલિક એક્શન મોડમાં આવીને DILR નો આ વિવાદિત હુકમ રદ કરી દીધો છે અને 37 વીઘા જમીનને ફરીથી સત્તાવાર રીતે સરકારી અને ગૌચર જમીન જાહેર કરી દીધી છે.
